વેજ મંચુરિયન ખાનારાઓ સાવધાન! ગોવા બાદ હવે આ રાજ્યમાં મુકાયો પ્રતિબંધ

કર્ણાટક સરકારે ફૂડ કલરિંગ એજન્ટ રોડામાઈન-બીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. વેજ મંચુરિયન અને કોટન કેન્ડી જેવી વસ્તુઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યના આરોગ્યમંત્રી દિનેશ ગુંડુરાવે જણાવ્યું કે જો વિક્રેતાઓ રેસ્ટોરાંમાં આ કેમિકલનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

તેમણે કહ્યું, વેજ મંચુરિયન વાનગીની વિરુદ્ધ એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને બનાવવા માટે હાનિકારક રોડામાઈન-બીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. અમે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે

તેમણે જણાવ્યું કે, જો સરકારના આદેશનું પાલન ન થયું તો 7 વર્ષની જેલ અથવા આજીવન કેદ થઈ શકે છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે.

દિનેશ ગુંડુરાવે જણાવ્યું કે, મંચુરિયનના 171 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 107 નમૂનાઓમાં અસુરક્ષિત કૃત્રિમ રંગો મળી આવ્યા હતા.

કર્ણાટક સરકારે આ આદેશમાં કહ્યું છે કે 'ખોરાકમાં કૃત્રિમ રંગોનો લાંબા સમય સુધી ઉપયોગ અને સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે છે.' તેથી લોકોને ખાવા પીવામાં કઈપણ કૃત્રિમ રંગનો ઉપયોગ ન કરવા અથવા મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

દિનેશ ગુંડુરાવે કહ્યું કે,  સ્ટોરન્ટ માલિકોએ પણ લોકોના સ્વાસ્થ્યને લઈને જવાબદાર બનવું પડશે. જો આમ નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગયા મહિને ગોવામાં પણ વેજ મંચુરિયનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંચુરિયન બનાવવા માટે ઘણા બધા સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેનો રંગ લાલ દેખાય. જોકે, આ સિન્થેટિક કલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

MMCના ચેયરપર્સન પ્રિયા મિશાલે કહ્યું કે, મંચુરિયન વેચનારાઓ તેમાં સિન્થેટિક કલરનો ઉપયોગ કરે છે. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓને મિક્સ કરીને મંચુરિયન તૈયાર કરતા હોવાના કારણે ગોવામાં આ વાનગી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.