Vijender Singh : પિતા બસ ડ્રાઈવર, પત્ની એન્જિનિયર, જાણો કેટલું ભણેલા છે બોક્સર વિજેન્દર સિંહ

આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી 'રાજકીય રિંગ'માં જોવા મળશે. બુધવારે ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી અને સ્વાગત કર્યું.

વિજેન્દર સિંહે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

બોક્સિંગ ચેમ્પિયન વિજેન્દર સિંહનો જન્મ 29 ઓક્ટોબર 1985ના રોજ હરિયાણાના ભિવાનીમાં થયો હતો. તેમના પિતા મહિપાલ સિંહ બેનીવાલ હરિયાણા રોડવેઝમાં બસ ડ્રાઈવર રહી ચૂક્યા છે, જ્યારે માતા ગૃહિણી છે.

વિજેન્દર સિંહે તેમનું પ્રારંભિક શિક્ષણ હરિયાણાના ભિવાનીમાં આવેલી સરકારી સ્કૂલ હેપ્પી સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી મેળવ્યું છે.

આ પછી તેમણે ભિવાનીની જ એક કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. વિજેન્દર સિંહને નાનપણથી જ બોક્સિંગનો શોખ હતો.

એવું કહેવાય છે કે તેઓ તેમના ભાઈ સાથે બોક્સિંગ કરતા હતા. બાદમાં અભ્યાસની સાથે-સાથે તેમણે ભિવાનીના બોક્સિંગ ક્લબમાં કોચ જગદીશ સિંહ પાસેથી બોક્સિંગની ટ્રેનિંગ લીધી.

તેમણે ભારતીય બોક્સિંગ કોચ ગુરબક્ષસિંહ સંધુ પાસેથી બોક્સિંગની ટ્રિક્સ પણ શીખી છે.

27 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીના અર્ચનાસિંહ સાથે લગ્ન કર્યા, જેમણે એમબીએ અને સોફ્ટવેર એન્જિનિયરિંગ બંનેનો અભ્યાસ કર્યો છે.

જૂનિયર બોક્સર તરીકે તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય ગેમ 2003માં આફ્રો-એશિયન ગેમ્સ હતી. તેમની ગેમ્સમાં સિલ્વર મેડલથી તેમણે આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત થઈ અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું.

જુલાઈ 2009માં વિજેન્દર સિંહે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે તેઓ હરિયાણા પોલીસમાં ડીએસપી બન્યા હતા.

જાન્યુઆરી 2010માં વિજેન્દર સિંહને ભારતીય રમતોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.